આ મારી જિંદગી નો સૌપ્રથમ સોલો પ્રવાસ હતો. નક્કી તો હતું જ કે એકલા જવું છું કુદરત ના ખોળે શાંતિ ની શોધ માં જ નીકળ્યો હતો. એવું નક્કી હતું કે કેદારનાથ જવું છે, પણ અચાનક હર્ષલભાઈ ની ફેસબુક પોસ્ટ વાંચી અને પ્રવાસ ની રૂપરેખા જ બદલી નાખી. હવે જવાનું હતું ભૃગુ તળાવ ૧૪૧૦૦ ફૂટ ની ઊંચાઈ પર આવેલું એક એવું તળાવ કે જે ક્યારેય થીજી જતું નથી એટલે જ એનું નામ શ્રી ભૃગુ ઋષિ ના નામ પરથી રાખવામાં આવ્યું છે. જિંદગી માં ક્યારેય કોઈ સાહસ ખેડ્યો ન હતો અને ખાસ કરીને આવી જગ્યા એ જ્યાં કુદરત ના બધા રૂપ જોવા મળે ક્યારે મોસમ બદલાય કોઈને ખબર ન પડે. અને હું એકલા જ નીકળી પડ્યો....🏃🏃
ઘણા સમય થી સુવર્ણ મંદિર ના દર્શન માટે જવાની ઈચ્છા હતી એટલે મેં મારા પ્રવાસ ની માર્ગદર્શિકા એ રીતે તૈયાર કરી. સોપ્રથમ શ્રી ગુરુસાહિબ હરમંદિર સાહિબ ના આશીર્વાદ લઈને મનાલી પહોંચવું. એટલે અમદાવાદ થી જ સીધો અમૃતસર પહોંચી ગયો. ત્યાં અડધો દિવસ મેં સુવર્ણ મંદિર માં પસાર કર્યો અને લંગર ની પ્રસાદી પણ લીધી. એક અદ્ભૂત અને અલગ જ પ્રકારની ની હકારાત્મક ઊર્જા હતી ત્યાં...
અમૃતસર થી સાંજે મારી વોલ્વો બસ હતી ૬ વાગ્યા ની પણ હું ૫ વાગે જ પહોંચી ગયો હતો અને વહેલા પહોંચવા નો ફાયદો પણ એ થયો કે ત્યાં મને એક ઇઝરાયેલ નું એક કપલ મળી ગયું કે જે મારી સાથે ની વોલ્વો માં જ મનાલી આવાનું હતું. આપણે ગુજરાતીઓ મિત્રતા કેળવવા માં પાવરધા હોય એટલે મેં જ સામે ચાલી ને વાત શરૂ કરી તો જાણવા મળ્યું કે બંને હજુ પોતાની ઇઝરાયેલ ની ફરજિયાત એવી મીલીટરી ટ્રેનિંગ પૂરી કરીને ભારત ફરવા આવેલા હતા. થોડી જ વાર માં અમારી વચ્ચે મિત્રતા થયી ગયી. અને પૂરી સફર કે જેના વિશે સાંભળ્યું હતું કે હિમાચલ ના રસ્તા પહાડી વળાંકો વાળા હોવાથી બસ માં તમને ઉલ્ટી થવાની સંભાવના રહે પણ નસીબ જોગે એવું કંઈ થયું નહિ અને ઉલ્ટા નું ક્યારે મનાલી આવી ગયું ખ્યાલ પણ ના પડ્યો. આ બંને ઇઝરાયેલી મિત્રો ને પણ મારી જોડે વશિષ્ઠ જ આવાનું હતું એટલે ટેક્સી પણ સાથે મળીને જ કરી જેથી ભાડા માં પણ ફાયદો થયો. હા હા આપણે ગુજરાતીઓ જુગાડ પણ કરી જ લઈએ...
આ હતી મારી પહેલી સાહસી અને સોલો સફર ની શરૂઆત.
મારા એક મિત્ર એ કહેલું કે મનાલી માં વશિષ્ઠ મંદિર પાસે રેહજે ખૂબ જ સરસ જગ્યા છે એટલે હોટેલ મેં એ રીતે ઓનલાઈન બુક કરી. ખૂબ જ સુંદર લોકેશન માં હોટેલ પણ મળી ગઈ. પહેલા તો લાગ્યું કે બંદા ભરાય ગયા હોટેલ માં કેમ કે એ મંદિર થી ઉપર તીવ્ર ચડાણ માં ઉપર છેક હતી પણ પહોંચ્યા પછી જે અહેસાસ હતો આહહ્ શું અદ્ભૂત નજારો હતો...
હા હા હા એક હસવાની વાત ... હોટેલ માં ચેક ઇન કર્યું અને રૂમ માં પહોંચ્યો સામાન મૂક્યો અને હર વખતની આદત પ્રમાણે એ સી અને પંખા ની સ્વિચ શોધવા ગયો ત્યાં તો આ શું ના એસી ના પંખો અહો આશ્ચરયમ્.... હા હા હા પણ ૨ મિનિટ માં સમજાય ગયું કે અહીંયા એની કશી જરૂર નથી પછી મેં મારી બાલ્કની નો ડોર ખોલ્યો અને ભરી ભરી ને કુદરતી શુદ્ધ ઓક્સિજન ફેફસા માં ભર્યો અને એક અલગ જ તાજગી નો અનુભવ કર્યો.અને સામે જે દૃશ્ય હતું ઓહોહો લાગે કે જન્નત તો અહીંયા જ છે.
મારી પાસે ખૂબ જ મર્યાદિત સમય હોવાથી મેં મારો પ્રવાસ એ રીતે પેહલે થી જ નક્કી કરી રાખેલો કે ક્યાં જવું અને શું કરવું એટલે મારા પ્રવાસ ના પહેલા જ દિવસે મે નક્કી કર્યું હતું કે સોલાંગ વેલી જવું એટલે આપણે તો એકલા જ નીકળી પડ્યા પણ ખબર ન હતી કે અહીંયા વાહન વ્યવસ્થા કઈ રીત ની છે એટલે ઘણી અગવડ ભોગવી પડી(સોલો પ્રવાસ ઘણું શીખવે) . ઉપર થી ગુજરાત સરકારે મને લાઇસન્સ નથી આપ્યું એટલે બાઈક પણ મળવાનો કોઈ ચાન્સ હતો નહિ.
૨ કલાક સુધી રોડ પર વાહન ની રાહ જોઈ ના કોઈ ઊભું રાખે ના કોઈ લિફ્ટ આપે. પછી કંટાળીને હું નીકળી પડ્યો મનાલી બસ સ્ટોપ બાજુ ત્યાં ના લોકલ લોકો એ કહ્યું કે બેટા ત્યાં થી ટેક્સી અથવા રિક્ષા મળી જશે. આપણે તો ફરી ચાલતા થયા ૩ કિમી ચાલીને બસ સ્ટોપ આવ્યો ત્યાંથી રિક્ષા કરી (ટેક્સી ખૂબ જ મોંઘી પડે જો એકલા હોયતો) અને ફરી ત્યાં થી સોલાંગ વેલી જવા એકલો નીકળી પડ્યો હજુ અહીંયા અધૂરા માં પૂરું નીકળ્યો ત્યારે મોસમ સાવ સાફ સુંદર હતું એટલે મેં જેકેટ ગરમ ટોપી બધું જ હોટેલ રૂમ માં મૂકીને નીકળેલો પણ જેવો સોલાંગ પહોંચ્યો ને અચાનક જ મોસમ બદલાયો પેલા રિક્ષા વાળા ભાઈ પણ બોલ્યા કે તમે આ અડધી બાય ના ટી શર્ટ સિવાય કશું નથી પહેર્યું? ઉપર ખૂબ જ ઠંડી લાગશે મે કહ્યું હવે આવી ગયા છીએ તો એ પણ જોઈ લઈશું. અને એવું જ થયું ત્યાં ઠંડી ખૂબ જ હતી પવન ને લીધે વધારે લાગી રહી હતી. આમ છતાં મે ત્યાં એવા મોસમ માં પેરાગ્લાઇડિંગ કર્યું. અહીંયા કરેલું પેરાગ્લાઈડિગ મારું પેહલું સાહસ કહી શકાય કેમ કે મે ઘણાં આંતરરાષ્ટ્રિય પ્રવાસો કરેલા છે પણ સાહસ તો આ જ પ્રથમ હતું. હવે ધીરે ધીરે થોડી જ વાર માં મોસમ સાવ ખરાબ થયો ખૂબ જ ઠંડો પવન ચાલુ થઈ ગયો અને મારું શરીર અહાહાહા સખત ઠંડી ને લીધે ધ્રુજવા લાગ્યું હજુ અહીંયા પણ અધૂરા માં પૂરું હું ફરી નીચે મનાલી જવા નીકળ્યો તો બસ જતી રહી તી અને બીજી બસ ૨ કલાક પછી હતી કોઈ સંજોગો જ ના હતા કે હું ત્યાં ૨ કલાક રોકાઈ શકું આટલી હાડ થીજાવતી ઠંડી માં . ત્યાં આસપાસ માં ૩-૪ ચા ની કીટલી ઓ ના સ્ટોલ હતા એટલે એમાં થી એક ચા ની કીટલી વાળા ભાઈ સાથે એમની કીટલી ની ગરમાહટ લીધી પણ સખત પવન ચાલુ થયો એટલે એમની ઉપર બાંધેલી તાલપત્રી પણ ઉડવા લાગી એટલે એ એમને પકડી ને ઉભા રહી ગયા જેથી ઉડી ના જાય એટલે મને પણ થયું કે લાવ હું પણ મદદ કરું પણ ભાઈ ઠંડી એટલી હતી કે આપણે ટકી ના શકીએ એટલે પવન ધીમો પડતા મે ચાલવાનું ચાલુ કર્યું ને હું ચાલતા ચાલતા ફરી નીચે મનાલી જવા નીકળી પડ્યો આ ચાલવાનો પ્રવાસ ૧૪ કિમી લાંબો હતો વિચાર્યું હતું કે કોઈ બસ કે વાહન મળી જશે પણ છેક નીચે ઉતર્યો ત્યાં સુધી કઈ ના મળ્યું આમ મારા ટ્રેકિંગ પ્રવાસ નો પેહલો જ દિવસ યાદગાર બની ગયો.
બીજા દિવસે નક્કી કરેલું એ રીતે મારે જોગીની ધોધ (જોગીની માતા નું મંદિર છે એટલે એનું નામ જોગીની ધોધ) જોવા જવાનું હતું એટલે ત્યાં ના લોકલ લોકો ને પૂછ્યું કઈ રીતે જવું અને નસીબજોગે એ મારી હોટેલ ના રસ્તે થી જ એનો ટ્રેક જતો હતો. ફરી એકલા બંદા નીકળી પડ્યા ધોધ જોવા ધીરે ધીરે વશિષ્ઠ ગામ પસાર કરીને ધૂળીયો જંગલ નો રસ્તો ચાલુ થયો અને પછી તો મોટા મોટા વૃક્ષો અને જંગલ ની વચ્ચે થી અતિ સુંદર રસ્તો પસાર થતો ગયો ને આશરે એકાદ કલાક ના ટ્રેક પછી હું જોગીની ધોધ પહોંચી ગયો. શું સુંદર દ્રશ્ય હતું એ અને એટલી શાંતિ હતી કે ત્યાં જ રહી જવાનું મન થઇ જાય. આહલાદક વાતાવરણ અને કુદરત ની એ સુંદરતા એ મારું મન મોહી લીધું. અને મજા ની વાત અહીંયા એ થઇ કે અહીંયા ૨ મિત્રો ગુજરાતી માં વાત કરતા હતા એટલે પૂછ્યું તો જાણવા મળ્યું કે એ ગુજરાત થી જ અહીંયા ફરવા આવેલા હતા. એટલે જેમ મને મારા આંતરરાષ્ટ્રીય પ્રવાસો માં પણ ગુજરાતી ઓ બધે જ જોવા મળે એમ અહીંયા પણ મળી ગયા ખરા ! ૨ કલાક ત્યાં પસાર કરી ને પછી હું રિટર્ન આવા નીકળી પડ્યો. અહીંયા એક વાત નોંધવા જેવી છે તમે જ્યારે જોગીની ધોધ જાવ ત્યારે રસ્તા માં જંગલ ના ઘણા કાફે આવે છે એમનો એક કાફે સેવન સિસ્ટર કરીને છે ત્યાં એક બોર્ડ મારેલું છે કે જોગીની થી એક ડોલ ભરીને કચરો લાવો અને મફત માં મારી કોફી પીવો. શું વિચારો છો? એ જ ને કે આપને કુદરત ને પણ નઈ છોડી અને આ લોકો જુઓ કે આટલી સહજતા થી આટલું સારું કાર્ય કરી રહ્યા છે. અને ખરેખર જ્યારે ઉપર પહોંચ્યો તો ત્યાં એટલો કચરો હતો પ્લાસ્ટિક નો કે તમને એવું થાય કે આટલી સુંદરતા માં આ કાળો ડાઘ લાગી ગયો હોય.
આજે મારે સાંજે ૫ વાગે મારા ભૃગુ તળાવ ના ટ્રેક નું રિપોર્ટિંગ હતું હોટેલ લક્ષ્મી બહાંગ ગામ માં.
જોજો અહીંયા પણ આવા માટે નીકળ્યો હું છેક વશિષ્ઠ થી મનાલી બસ સ્ટોપ ચાલીને ગયો કેમ કે ગઇકાલ ના અનુભવ પર થી લાગ્યું કે કોઈ વાહન નીચે રોડ પર થી નહિ મળે એટલે છેક બસ સ્ટોપ ગયો એ બહાને મોલ રોડ ફરાય ગયું. આ આખી વશિષ્ઠ થી મનાલી ની રોડ ટ્રીપ કંઇક ૪-૫ કિમી ની તો થાય જ ! મારી બસ બહાંગ જવા માટે કંઇક ૪ વાગ્યા ની હતી એટલે બસ ના સમય પ્રમાણે હું બસ આવી એટલે એમાં ગોઠવાયો હવે અહીંયા પણ અધૂરા માં પૂરું સ્કૂલ માંથી બાળકો ને છૂટવાનો સમય હોવાથી બસ ઓવર્લોડેડ થયી ગયી અને જેવો મનાલી બસ સ્ટોપ નો પુલ વટાવ્યો કે બસ નું ટાયર ફાટયું અને ફરી એક મુસીબત હવે સમયસર કઈ રીતે પહોંચવું ... (આ બસ એટલે હિમાચલ ટ્રાન્સપોર્ટ ની લોકલ બસ કે જેનો મારે અનુભવ લેવો હતો એટલે આ બસ માં જવાનું પસંદ કરેલું)
ચલો હવે ફરી આ આફત માંથી રસ્તો કાઢવો રહ્યો અહીંયા કોઈ લિફ્ટ ના આપે પણ જો તમે ત્યાં ના લોકલ વ્યક્તિ હોવ તો ઓળખાણ ને કારણે આસાની થી મદદ મળી જાય.
મારે પણ થોડું એવું જ થયું થોડી લોકલ ભાષા શીખવાની હર વખત ની જેમ એક ઉત્કંઠા ને લીધે એક બાઈક વાળો ભાઈ જતો હતો એણે હાથ ઊંચો કરી ને થોડી ભાંગી તૂટી પહાડી ભાષા માં વિનંતી કરી કે મારે બહાંગ પહોંચવું છે તમે એ તરફ જાવ છો અને નસીબ જોગે એ એક બાઈક વાળા મિત્રએ લિફ્ટ આપી દીધી અને બંદા ફરી એકવાર પહોંચી ગયા એ પણ સમયસર .
આહ્ સપને પણ નહોતું વિચાર્યું કે હું અહીંયા શ્રી હર્ષલભાઈ પુષ્કરના ને મળીશ. એકદમ સહજ સ્વભાવ થી એમને મને આવકાર્યો અહાહાહા જેના પુસ્તકો હું નાનપણ થી વાંચતો આવ્યો છું એ વ્યક્તિ આજે મારી સામે હાથ મિલાવી રહ્યા છે વાહ....
એટલે અહીંયા અમે બધા જે ૨૪ લોકો આ ટ્રેક પર અવાના હતા એમના માટે જરૂરી સૂચના ઓ આપવા અને એક નાનું ગેટ ટુ ગેધર જેવું રાખેલું. બધા એક પછી એક રાઉન્ડ ટેબલ ગોઠવાય ગયા એમાં બધા નો પરિચય થતો ગયો. આમાં બધા જ લોકો આપણા ગુજરાતીઓ હતા એનો મને ખૂબ જ આનંદ થયો ! (આ મુલાકાત માં આગળ મેં લખેલું ૨ ગુજરાતી મિત્રો વિશે એ પણ અહીંયા મળી ગયા, અને કોને ખબર હતી કે એ પ્રથમ મુલાકાતી મિત્રો જ મારા તંબુ માં પણ મારી સાથે જ રેહવાના હતા. આ મિત્રો એટલે જયમીન અને તન્મય)
૧-૨ કલાક ની મિટિંગ પછી બધા છૂટાં પડ્યા બીજા દિવસ ની સવાર થી અમારો ટ્રેક ચાલુ થવાનો હતો એટલે.
પેહલો દિવસ:
આ દિવસ ની શરૂઆત જ મારી એક અલગ અનુભવ થી થઈ મારી હોટેલ વશિષ્ઠ ગામ માં હતી જે એક ઉંચી ટેકરી પર હતું. મારે જવાનું હતું બહાંગ ગામ માં લક્ષ્મી હોટેલ ત્યાં અમે બધા મળીને પછી આગળ ગુલાબા જવાના હતા આ લક્ષ્મી હોટેલ હું જ્યારે સોલાંગ થી આવ્યો ત્યારે શોધવાનો પ્રયાસ કરેલો પણ ધ્યાને ના પડી એટલે બીજા દિવસે સવારે હું વહેલો ઊઠીને ૬:૧૫ વાગે તો હોટેલ ચેકઆઉટ કરી દીધી અને નીકળી પડ્યો મને હતું કે એકાદ કલાક જેવું તો લાગશે જ ચાલીને પહોંચતા કેમ કે આટલી વહેલી સવારે કોઈ વાહન મળવું મુશ્કેલ હતું (એકાદ કલાક એટલે કે મને એવું હતું કે મારે વશિષ્ઠ થી નીચે ઉતરીને મનાલી જવું પડશે અને ત્યાં થી મને કોઈ વાહન મળે તો ઠીક નઈ તો ૫ કિમી ચાલીને બહાંગ પહોંચવું પડશે. આવા વિચાર કરતો જ હું વશિષ્ઠ મંદિર પાસે પહોંચ્યો ત્યાં મે ત્યાંના લોકલ બહેન હતા એમને પૂછ્યું કે આ બહાંગ જવું હોયતો આ જંગલ ના રસ્તે થી નીચે ઉતરી જવાસે ? આવું એટલે પૂછ્યું કે અહીંયા થી નીચે બિયાસ નદી નો સુંદર પટ અને બહાંગ ગામ પણ દેખાતું હતું. એટલે એમને કહ્યું કે હા આ રસ્તે સીધા ચાલતા જજો બે રસ્તા પડ્સે એક જોગીની ધોધ જશે બીજો બહાંગ જશે એટલે હું સમજી ગયો કેમ કે કાલે જ તો એ રસ્તે થી જોગીની ગયેલો ત્યારે મેં ૨ રસ્તા અલગ પડતા જોયેલા અને ત્યાં ની લોકલ સ્કૂલ પણ જોયેલી. અહીંયા પણ અલગ અનુભવ હતો વહેલી સવાર નું કુદરતી સોંદર્ય આહ્લાદાયક હતું. ધીરે ધીરે એક સાથે ૨ બેગ સાથે લઈને ચાલતો થયો. અડધે રસ્તે પહોંચ્યો તો લાગ્યું કે રસ્તો ભટક્યો તો નઈ કેમ કે આજુબાજુ જંગલ અને સફરજન ના વૃક્ષો સિવાય કશું ન હતું. ત્યાં વિચાર આવ્યો કે હા અહીંયા એસ એ એસ ઇ(સ્નો એન્ડ એવલાન્ચે સ્ટડી ઇસ્ટાબ્લિસમેન્ટ) ની દીવાલ પડતી હોયતો રસ્તો સાચો જ હશે. એસ એ એસ ઇ વિશે ખ્યાલ એટલે હતો કે ગઈ કાલે સોલાંગ થી આવ્યો ત્યારે એનો મીલીટરી ની કોઈ સંસ્થા જેવો ગેટ જોયેલો એટલે ગૂગલ ગુરુ પાસે થી એના વિશે જાણેલું. માન્ય માં ના આવે પણ હું જે રસ્તે નીકળ્યો એ સીધો રસ્તો લક્ષ્મી હોટેલ ની પાછળ ની દીવાલ પાસે થી બહાંગ માં જ નીકળ્યો અને માત્ર અડધી કલાક માં વશિષ્ઠ ગામ થી નીચે બહાંગ પહોંચી જવાયું. આ એક નવો અનુભવ હતો ફરી કંઇક નવું જાણવા મળ્યા નો આનંદ થયો.
પહોંચતા જ જયભાઈ એ આવકાર્યો...
બધા થી પેહલા પહોંચી ગયેલો એટલે અહીંયા પણ આવીને બેગ ખાલી કરીને રક્ષક(ટ્રેકિંગ માટે વપરાતું એક બેગ) બનાવવાનું હતું એટલે જય ભાઈ ની મદદ થી એ પણ વિના વિઘ્ને થઈ ગયું.
હવે ૮ વાગ્યા સુધીમાં તો બધા આવી ગયા હતા અને એક પછી એક ૨ ટેમ્પો ટ્રાવેલર માં ગોઠવાય ગયા. અને ગુલાબા પહોંચ્યા હવે અહીંયા થી ચડાણ ચાલુ કર્યું ...
પ્રથમ અનુભવ હતો ને એટલે જીવ પણ કઈક અતિઉત્સાહિત હતો !
એ સુંદર પીર પંજાલ પર્વતમાળા માં જ કુદરત નું એટલું સોંદર્ય નિખરી રહ્યું હતું કે બીજું કંઈ યાદ જ ન હતું મોબાઈલ પણ મે બંધ કરી દીધેલો જેથી હું જે શાંતિ થી કુદરત ને માણી શકું. આ જ્યારે લખી રહ્યો છું ત્યારે પણ એ હજુ ભૂલાયું નથી એક એક ક્ષણ આંખો સમક્ષ થી પસાર થઈ રહી છે.
ધીરે ધીરે ચડતા ગયા તેમ કુદરત ના અલગ અલગ રૂપ સાથે અલગ અલગ પ્રજાતિ ના ફૂલો, વૃક્ષો, પક્ષીઓ અને કુદરતી ઝરણાં ઓ આવતા ગયા જોગી ભાઈ(અમારા ગાઈડ અને રોહતાંગ ટનલ ના રેસ્ક્યૂ ઓપરેશન ફરજ બજાવતા એક જાંબાઝ વ્યક્તિ) બધું સમજાવતાં જતા હતા એટલે વધુ ઉત્સાહ થી અમે પણ આગળ વધતા ગયા. આમ તો વાડીએ ધોરિયાં માં વ્હેતું પાણી પીધેલું પણ આ કુદરતી ઝરણાં ઓ ની વાત જ અલગ હતી.
આખરે ૩-૪ કલાક ના ટ્રેકિંગ પછી અમે અમારા પ્રથમ બેઝ કેમ્પ પર પહોંચી ગયા હતા બસ અહીંયા તો કુદરત મન મૂકીને વરસેલી હતી. ચારે તરફ હરિયાળી જ હરિયાળી અને સામે હિમાલય ની ધોડાધાર પર્વતમાળા આહહ્ ઉદ્ગાર નીકળી જ જાય...
અહીંયા પ્રથમ વાર તંબુ માં રહેવાનું હતું એટલે એ પણ નવા અને તદ્દન અજાણ્યા લોકો સાથે પણ અહીંયા મને આમતો ૨૩ પણ તંબુ માં ૩+૨ એટલે કે ૩ ફોજી ભાઈઓ અને ૨ મારા તંબુ માં સાથે રહેવા વાળા મિત્રો જયમીન અને તન્મય જેમની સાથે પળવાર માં જ એક આત્મીયતા કેળવાય ગયી. અહીંયા પ્રથમ વખત જ તંબુ માં રેહવાનો અનુભવ પણ કર્યો અને સ્લીપિંગ બેગ માં સૂવાનો પણ. અને ખરેખર ત્યારે સમજાયું કે આપણાં જવાનો સિયાચેન માં -૫૫ ડિગ્રી ની ઠંડી માં એ પણ આવી બેગ માં કઈ રીતે સૂતા હસે !!
આજ અમે અહીંયા જ રાત રોકવાના હતા એટલે સાંજે બોન ફાયર પણ કરવું હતું એટલે આસપાસ માંથી થોડા લાકડા ભેગા કરી આવ્યા.
રાતે હતું કે અમે એ આકાશી નજારો જોઈ શકીશું પણ વાદળો ને કારણે એ નસીબ ન હતું.
બીજા દિવસે અમારે કપરું ચડાણ હતું અને બીજો બેઝ કેમ્પ બરફ વચ્ચે હતો એટલે બીજા દિવસે અમે સવારે ૯ વાગ્યા આસપાસ ચડાણ ચાલુ કર્યું ધીરે ધીરે હિંમત કસોટી લઇ રહી હતી આત્મવિશ્વાસ તો હતો પણ હું તો અતોત્સાહી બધાની આગળ આગળ ચાલ્યે જ જતો તો...
૨-૩ કલાક ના ચડાણ પછી બરફ ના ગ્લેસિયર આવવા લાગ્યા આ કંઇક નવો જ અનુભવ હતો પ્રથમ વખત આ કુદરતી બરફ જોયો હતો ! અત્યાર સુધી માં ટીવી અને ફોટો માં જોયેલું પણ આજે અનુભવ્યું...
આ જ રીતે આગળ વધતા ગયા અને ક્યારે બેઝ કેમ્પ આવ્યો ખબર જ ના પડી, બધાથી આગળ અમે ૩-૪ લોકો જોગીભાઈ જોડે જતા હતા એટલે ઉત્સાહ થી જોવા ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે અહીંયા તો રાત ભારે પડવાની કેમ કે ઊંચાઈ ને લીધે ઓક્સિજન ઓછો થશે અને રાત પડે એમ ઠંડુ થશે આસપાસ બધે જ બરફ હતો માત્ર વચે કેમ્પ હતા ત્યાં જ જમીન દેખાય રહી હતી.
અહીંયા હું પ્રથમ વખત તંબુ બાંધતા પણ શીખ્યો. એક પછી એક અલગ અલગ અનુભવો હતા! મજા આવી રહી હતી.
હવે અહીંયા સાંજ પડ્યા પેલા જ પહોંચી ગયેલા એટલે બરફ વચ્ચે બીજું કરવા માટે હતું નઈ એટલે અમે ૪-૫ મિત્રો બાજુ માં એક ઝરણું વહી રહ્યું હતું જે સીધું બરફ માંથી આવી રહ્યું હતું એટલે સહજ એ વધુ ઠડું હતું ૨ મિનિટ તમે એમાં એક આંગળી પણ રાખો તો એ થીજી જાય અને કદાચ કાપવી પણ પડે એટલું ઠડું કહી શકાય. અહીંયા મેં મારા ગ્રુપ ના મિત્રો વનરાજસિંહ અને નલિની બા જોડે ફોટોગ્રાફી કરી ખૂબ જ મજા આવી. પછી અમે ફોજી ભાઈઓ તથા બીજા મિત્રો સાથે એ ઝરણાં ની સાથે આગળ ગયા જોવા તો ત્યાં તો મસ્ત એ ધોધ સ્વરૂપ લઈ રહ્યું હતું ફરી ત્યાં થોડી મસ્તી મજા કરી અને ફરી આવ્યા કેમ્પ પર .
હવે અહીંયા મારી તબિયત ઢીલી થવા લાગી માથું દુખવા લાગ્યું અને થોડો તાવ જેવું લાગ્યું પણ બંદા દોઢ ડાહ્યા રહ્યા એટલે હિંમત અને માઈન્ડ ને પોતાના કન્ટ્રોલ માં રાખીને હિંમત આપતો રહ્યો કે કઈ નથી થાક જ છે સૂઈ જઈશ એટલે સવાર સુધીમાં સારું થઈ જશે!
આ રીતે કઈ જમ્યા વગર જ સૂઈ ગયો.
આખી રાત વરસાદ વરસેલો એટલે વાતાવરણ ખૂબ ઠડું હતું આમપણ રાતે સરખી ઊંઘ નતી આવી એટલે વહેલો ઉઠી ગયેલો. હજુ થોડું એમ લાગતું હતું કે થશે કે નઇ આજે ઉપર પહોંચવાનું છે ગમે તે થાય હિંમતે મર્દા તો મદદે ખુદા !
સવાર માં જયભાઈ એ આપેલી સૂચના મુજબ થોડો હળવો નાસ્તો કરવો જરૂરી હતો શરીર નું મેટાબોલિઝ્મ જાળવી રાખવા માટે અને થોડી સ્ફૂર્તિ રહે એ માટે. અને વધારા માં મને થોડો આત્મવિશ્વાસ નો ડોઝ આપ્યો મારા ગ્રુપ ના જ એક મિત્ર એવા વનરાજ સિંહે કે તમે તો સૌની પેહલા પહોંચશો હા હા હા...
અને અહીંયા ચાલુ થયો આખરી ચડાવ. જોગી ભાઈની પાછળ પાછળ ક્યારે ઉપર સુધી પહોંચી જવાયું ખબર જ ના પડી અને મારા આત્મવિશ્વાસ માં થોડો ઑર વધારો થયો. હવે સ્વાથ્ય સ્વસ્થ હતું. ધીરે ધીરે બરફ માં ફોટોગ્રાફી કરતા કરતા ૩-૪ કલાક ના ટ્રેકિંગ બાદ ભૃગુ લેક પહોંચી ગયા આનંદ નો કોઈ પર ન હતો સાચું કહું તો પળ વાર માટે આંખો ભીંજાય ગઈ શું કામ ખ્યાલ છે? કેમ કે મે વિના કોઈ લાડકી કે સહારો લીધા વગર જ સામાન્ય વ્યક્તિ ની જેમ જ મે મારું પ્રથમ સાહસ પૂરું કરેલું. લોકો મને એક દિવ્યાંગ તરીકે ઓળખે કેમ કે મારા હાથની આંગળીઓ માં એટલી ગ્રીપ નથી પણ એ એમને કોઈને કેમ સમજાવું કે એમાં એમનાથી પણ વધારે સારી ગ્રીપ છે ....
ચલો તો હવે હતો વારો બરફ માં લસરપટ્ટી ખાવાનો હા હા હા ખૂબ જ મજા આવી રહી હતી અને સાલો એક ડર પણ લાગી રહ્યો હતો કે જો બેલેન્સ બગડ્યું તો તમે ગયા કામ થી નીચે ખીણ માં ...
આ લસરપટ્ટી ખાવા માટે તો હું પેહલા દિવસ થી જ ઉતાવળો હતો કેમ કે એના વિડિયો મારા મિત્રો પાસે જોયેલા એટલે મારે પણ એવો સ્લો મોશન વાળો વીડિયો લેવો હતો હા હા હા...
પણ ખરેખર એ એક અલગ જ આનંદ હતો. અને અમે બધા જ આવી ખૂબ જ મજા કરતા કરતા નીચે ફરી બેઝ કેમ્પ પર આવી ગયા. ત્યારે એવું લાગ્યું કે આખરે પ્રથમ સાહસ સફળતા પૂર્વક પુરૂ કર્યું.
આ પ્રવાસ દરમિયાન એક મજાની વાત એ હતી કે અમે બધા એ બધી જ પ્રકારની ઋતુ નો અનુભવ કર્યો ગરમી, ઠંડી, વરસાદ, અતિ ભારે વરસાદ અને કરા પણ પડયા છેલ્લા દિવસે નીચે ઉતરતી વખતે...
આ રીતે આ પ્રવાસ એક યાદગાર સંભારણું બની ગયો જેની મને કલ્પના સુધા ના હતી. અને સાથે સાથે ૨૪ નવા મિત્રો આપ્યા એ લટકા માં... હા હા !!
જય શ્રી ભૃગુ ઋષિ 🙏 જય હિન્દ 🇮🇳
Amazing write-up!
ReplyDeleteSuper
ReplyDeleteJordaar
ReplyDeleteV nice written
ReplyDeleteExcellent write-up!!
ReplyDeleteV nice written
ReplyDeleteઅતી સુંદર લખાણ અને અદભુત રીતે વિષય વસ્તુને રજુ કરવાની કળા આપનામાં છે માનો કે લખાણ વાંચતી વખતે તમે ત્યાં જ છો એવી પ્રતીતિ થયા કરતી હતી...હું આપના પ્રથમ સાહસિક પ્રવાસમાં સહભાગી થયો તેનો આનંદ છે. બસ સાહસિક પ્રવાસની સાથે સાથે આપની આં લેખનની યાત્રા પણ અવિરત ચાલુ રાખો તેવી અરજ અને શુભકામના સાથે વનરાજસિંહ જાડેજા ના જય માતાજી...
ReplyDeleteVery nice blog
ReplyDelete